શ્રી મેઘરાજજી દાદા- ખાનાય જાગીર( કચ્છ)
ભારત સંતો ,મહંતો અને અવતારોની પુણ્ય ભૂમિ છે .અહીંયા અનેક મહાપુરુષો થયા જેમણે સમાજની વચ્ચે રહીને સેવા અને સમાજ સુધારણાની તપસ્યા કરી .તેના અંતે આજે એક સબળ ભારત અનેક ઝંઝાવાતો વચ્ચે ટકીને ઊભું રહ્યું છે .ભારતમાતાનો પાલવ એટલે ગુજરાત અને એ પાલવની ભાતીગળ ડિઝાઇનમાં કચ્છની ધરતી ,કચ્છની સંસ્કૃતિ અને કચ્છના શુરવીરો અને સંતોની ભાત છે .આ ભાગમાં એક અનોખી ભાત એટલે ભગવાનના અવતાર એવા શ્રી રામદેવપીર અને તેમના ભક્ત સંત સમુદાય. કચ્છના અબડાસા લખપત પાસે આવી જ એક ખાનાય જાગીર પાસે થઈ ગયા શ્રી રામદેવજી મહારાજના જ અનન્ય ભક્ત શ્રી મેઘરાજજી દાદા. મેઘરાજજી દાદા ની કર્મભૂમિ એટલે ખાનાઇ જાગીર .કચ્છની સૂકી ધરતી વચ્ચે સંત સેવાની હરિયાળી ઊભી કરનાર મેઘરાજજી દાદા. મેઘરાજજી દાદા ની આ કર્મભૂમિ ઉપર તેમના નિર્વાણના એક વર્ષ નિમિત્તે આયોજિત એક ભાગવત કથા અને રામદેવપીર ની કથામાં જવાનું થયુ.
આ સ્થાન અને મેઘરાજજી દાદા ની જે વાતો સાંભળી એનાથી આપણું મન ભગવતમય થઈ જાય એટલું જ નહીં પરંતુ આવા અવતારી પુરુષોની સેવા સામે આપણું મસ્તક નમ્રતાથી ઝૂકી જાય. મેઘરાજજી દાદાએ પોતાનું પૂરું જીવન આ વિસ્તારમાં રહીને અહીં વસ્તી માં બધા જ પ્રકારની જ્ઞાતિ ,જાતિ, સમુદાયની વચ્ચે ભક્તિનો મહાસાગર રચ્યો. ઉચ્ચ વર્ગના અમીર અને ક્ષત્રિય ,બ્રાહ્મણ થી માંડીને સમાજની તમામ જ્ઞાતિ જાતિ વચ્ચે એમના અનુયાયો મળી આવે છે .સમાજ વચ્ચે રહીને સમાજને મદદ કરવી ચાહે તે દુષ્કાળ હોય, કોઈ વ્યક્તિની માંદગી હોય કે સમાજ ઉપર આવેલી સમસ્યાઓ હોય .આપણે ત્યાં તો કહેવાયું છે કે "ધર જાતા ,ધર્મ પલટતા અને ત્રિયાય પદંત જોને તાપ,વો તીનુ અવસર મરણરા કોણ રંક ને કોણ રાવ "દુહા ના શબ્દોને પોતાના જીવનમાં એમણે ચરિત્રાર્થ કર્યા./ તેમની એક હાક ઉપર સમાજ એકત્ર થાય, સમાજમાં સમસ્થા નિર્વાણ થાય .સાથે સાથે ભક્તિ થાય અને સાથે ભોજન થાય .કોઈ પ્રકારનો ભેદભાવ ક્યાંય જોવા ન મળે .તેમના અનુરાગી સત્સંગીઓ હોય કે ભક્ત પણ હોય , જ્ઞાની હોય કે સેવક હોય ,બધા પોતાના અંગત કામોને પડતા મૂકીને મેઘરાજ દાદાના સાદ સાંભળીને પોતાના બધા કામ છોડીને એકત્ર થઈ જાય .આ વિસ્તારને અનેક અરાષ્ટ્રીય ગતિવિધિઓ ને દૂર કરી ભારતમાતાના સંસ્કારો જાળવી રાખવાનો અને ધર્મ
ટકાવી રાખવાનુ એક અનોખું કામ એમના પ્રેરણાથી અને તપથી સિદ્ધ થયું છે. કહેવાય છે કે અહીંયા આવનાર વ્યક્તિના દુઃખ દૂર થાય તે માટે બાપુ હંમેશા પ્રયત્નશીલ રહેતા.અહીં આવનારને ભજનની સાથે ભોજન ની બધી જ સગવડતાઓ રહેતી. દુષ્કાળના સમયમાં પણ સાત્વિક ભોજન પોતાની જ ગૌશાળા ના ગાયોના દૂધ દહીં અને ઘી નો લાભ મળતો અને હજુ મળતોજ રહે છે. ગૌશાળાની કોઈ વસ્તુનો વ્યાપારિક ઉપયોગ નહી કરતા લોકોની સેવા માટે થશે છે.ગૌશાળા ની ગાયો પણ ઉચ્ચ ગીર જાતિની રાખીને સેવા કરતા. ગૌસેવા ધર્મ સેવા અને સમાજ સેવા એમના જીવનનો આદર્શ . સમાજના અનેક ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો પણ તેમને મળવા અવારનવાર આવતા .પરંતુ મેઘરાજજી દાદા પાસે દરેક વ્યક્તિ સમાન હતી. રાજકીય વ્યક્તિઓથી અને તેમના રાજનીતિના વિચારથી પોતાની જાતને દૂર રાખતા, પરંતુ રાષ્ટ્રનીતિ અને ધર્મના કામ માટે હંમેશા તત્પર રહેતા. અને એવા અનોખા પ્રસંગો સર્જાય ત્યારે સમાજના ધાર્મિક લોકોની સાથે સૌથી આગળ રહેતા .આવા મેઘરાજજી દાદા આ વિસ્તારના પ્રેરણા પુરુષ એક વર્ષ પહેલા વિદાય થયા. તેમનો દેહ ગયો પરંતુ તેમનો વિચાર ,તેમનું કાર્ય અને તેમની પ્રેરણા હજુ અકબંધ છે.
તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ ખાનાય જાગીરમાં રામદેવજી મહારાજ મંદિર સેવા સમિતિ દ્વારા એક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .સુરતના રામ મઢીના મુળદાસ બાપુ એ અહીંયા શ્રી રામદેવજી મહારાજ શિક્ષા મહાપુરાણ નકલંક રામાયણનો પઠન સવારના સમયમાં આપતા હતા .સાંજના સમયે શાસ્ત્રી વિશાલ કૃષ્ણજી જોશી નારાયણ સરોવર સંસ્થાન ભાગવત મહાપુરાણનો પ્રસાદ બધાને આપતા હતા .આ જ્ઞાન યજ્ઞની ધારા 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી વહેતી રહેવાની .શ્રી ગોડજીપીર દાદા મંદિરે ખાનાઇ જાગીરનું આ સ્થાન પર માનવ મહેરામણ થી એકત્ર થયેલો હતો .આજુબાજુ અને કચ્છ ગુજરાતના અનેક સંતો મહંતોએ પધરામણી કરી હતી .લોકોને આશીર્વાદ આપ્યા હતા. કથા શ્રવણ લાભ માટે પણ આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા લોકોમાં એક સામાજિક સમરસતાનું ખૂબ મોટું ચિત્ર જોવા મળતું હતું. બંને સંતોની વાણી લોકોને માર્ગદર્શન આપતી હતી .આજ કથામાં મારે 22 જાન્યુઆરીના રોજ સવારે સંઘના કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું .રામદેવજી મહારાજની બાળપણની લીલાઓ અને ધર્મ કાર્યોનો શ્રવણ લાભ મળ્યો .કથાના અંતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્ત પંચ પરિવર્તનના વિષયની વાત કરી. પૂજનીય રામદેવજી
મહારાજના ફરમાન અને એમનું જીવન કાર્ય એ સાથે સુસન્કલિત થાય એવા જ આ પંચ પરિવર્તનના વિષયો એટલે કે સામાજિક સમરસતા ,કુટુંબના મૂલ્યોના સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ ,સ્વદેશી અને સ્વ ના ભાવનું નિર્માણ અને નૈતિકતા વાળી નાગરિક ગુણધર્મનું જીવનમાં પાલન .એવા વિષયો કથા શ્રવણ કરનારા આવનાર વ્યક્તિઓ સામે મૂક્યા બધા જ સાથે સમૂહ પ્રસાદ લઈને આ સંસ્થાની વિગતો વાગોળતા રહ્યા.

Comments
Post a Comment